chaal sakhaa - Geet | RekhtaGujarati

ચાલ સખા

chaal sakhaa

રક્ષા શુક્લ રક્ષા શુક્લ
ચાલ સખા
રક્ષા શુક્લ

ચાલ સખા, હળવેથી પગલું ઉપાડી વાયરાની સંગાથે ફૂલોમાં સરીએ.

ફોરમ ચિક્કાર પછી પીવડાવી શ્વાસોને મઘમઘતા સુંવાળા સરનામાં ધરીએ.

અટ્ટણની ઓલીપા, પટ્ટણનાં પાદરમાં, બાંધીને મ્હેલ અમે મ્હાલ્યા,

અચરજના કૂવેથી પાણી લઇ લોક બધા અણસારા પકડીને ચાલ્યા.

લીમડાની ડાળ અમે લીંબોળી ભૂલીને લૂમઝૂમ કેસર થઈ ફાલ્યા,

તીખાતમ તડકાઓ તેવર બદલે તો જીવ શ્રાવણમાં કેમ રહે ઝાલ્યા?

લજ્જાને કૂંપળથી ચપટીક ઉઘરાવીને ઓચિંતું લીલુડાં પાને અવતરીએ,

ચાલ સખા, હળવેથી પગલું ઉપાડી વાયરાની સંગાથે ફૂલોમાં સરીએ.

જળની તે આંખોમાં કાંઠાને અડવાનું બ્હાનુ 'ને બ્હાનામાં હું,

ટેરવેથી ટપકે ત્યાં લીલીછમ્મ ઘટના 'ને ઘટનામાં ઊઘડતો તું.

લથબથ લાગણિયુંમાં ભીંજાતો જોઈ તને માનું હું વાદળ કે રૂ?

હાથોમાં હાથ અને શ્વાસોમાં શ્વાસ પછી ઓગળતાં થાકોડો છૂ.

વરસાદી ફોરાંની જેમ ચાલ, ધૂળભરી ધરતીમાં રાસ લઈ રંગોળી કરીએ.

ચાલ સખા, હળવેથી પગલું ઉપાડી વાયરાની સંગાથે ફૂલોમાં સરીએ.

સ્રોત

  • પુસ્તક : વાલામુઈ વેળા (પૃષ્ઠ ક્રમાંક 20)
  • સર્જક : રક્ષા શુક્લ
  • પ્રકાશક : નવભારત સાહિત્ય મંદિર
  • વર્ષ : 2024