e rat - Geet | RekhtaGujarati

મ્હોરી મ્હોરી આંબલિયા કેરી ડાળ રે,

રત આવી, ને રાજ! આવજો!

ઝીલે નીર સારસ સરોવરપાળ રે,

રત આવી, ને રાજ! આવજો!

કુંજે કુંજે વાઘા સજ્યા નવરંગ રે,

રત આવી, ને રાજ! આવજો!

ચંદ્ર હસી અજવાળે રજનીનાં અંગ રે,

રત આવી, ને રાજ! આવજો!

તેજ મધુર વરસે, ને વિશ્વ મહીં ન્હાય રે,

રત આવી, ને રાજ! આવજો!

લીલો પેલો વનનો મંડપ ઝોલાં ખાય રે,

રત આવી, ને રાજ! આવજો!

ઊભી ઊભી નીરખું છું વાટ, અલબેલ રે!

રત આવી, ને રાજ! આવજો!

ફૂલડેથી લૂમી ઝૂમી મ્હારી વેલ રે,

રત આવી, ને રાજ! આવજો!

સ્રોત

  • પુસ્તક : ન્હાનાલાલ-મધુકોષ (પૃષ્ઠ ક્રમાંક 27)
  • સંપાદક : અનંતરાય રાવળ
  • પ્રકાશક : સાહિત્ય અકાદમી
  • વર્ષ : 2002