bhabhi - Geet | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

(મહિડાંનાં દાણ અમે નહિ દઈં રે લોલ—એ ઢાળ)

ટહૂકે વસન્તકુંજ કોકિલા રે લોલ,

ઘરમાં ભાભીનાં એવાં ગીત રે.

ભાભીના ભાવ મને ભિંજવે રે લોલ.

વીરા મારાની મધુર મોરલી રે લોલ,

નવલા રાગ વહે નિત્ય રે. ભાભીના.

છોડી પિયરની એણે પાલખી રે લોલ,

મૂકી માયાભરી માત રે. ભાભીના.

વ્હાલાંનો સંગ કર્યો વેગળો રે લોલ,

મારા બન્ધવાને માટ રે. ભાભીના.

સહિયરનો! સાથ ત્યજ્યો સામટો રે લોલ,

દાદાનો દૂર કર્યો દેશ રે. ભાભીના.

ખાંતનાં ભરેલ ત્યજ્યાં ખેલણાં રે લોલ,

છોડ્યો બાળાપણ વેશ રે. ભાભીના.

સાધી શકે અમરસુન્દરી રે લોલ,

એવો અમોલ એનો ત્યાગ રે. ભાભીના.

શાં શાં તે મૂલ એનાં આંકિયે રે લોલ,

શાં શાં સમર્પિયે સોહાગ રે. ભાભીના.

એને માડીનો સોહે મોડિયો રે લોલ,

રૂડાં દાદાજીનાં રાજ રે. ભાભીના.

વ્હાલ અખંડ મારા વીરનું રે લોલ,

લાખ ટકાની કુળલાજ રે. ભાભીના.

એને મંદિર, એને માળિયાં રે લોલ,

સોળે સજાવું શણગાર રે. ભાભીના.

એને તે કોષતણી કુંચીઓ રે લોલ,

હીરા ને મોતીઓ હજાર રે. ભાભીના.

તો અમારી અન્નપૂરણા રે લોલ,

વીરાના વંશ કેરી વેલ્ય રે. ભાભીના.

હસતી ઉષા અમ આભની રે લોલ,

રઢિયાળી રંગડાની રેલ રે. ભાભીના.

માડીજાયો તે મધુર મોરલો રે લોલ,

ભાભી ઢળકતી શી ઢેલ રે. ભાભીના.

વીરો મ્હેરામણ મીઠડો રે લોલ,

શીળી સરિતની સેર રે. ભાભીના.

ચળકો સદાય એનો ચાંદલો રે લોલ,

જીવો જુગ-જુગ જોડ રે. ભાભીના.

હૈયાં હેતભર્યાં હિંચજો રે લોલ,

પૂરો પ્રભુજી એના કોડ રે. ભાભીના.

સ્રોત

  • પુસ્તક : રાસતરંગિણી (પૃષ્ઠ ક્રમાંક 31)
  • સર્જક : દામોદર ખુ. બોટાદકર
  • પ્રકાશક : એન. એમ. ત્રિપાઠી લિમિટેડ
  • વર્ષ : 1923