prabhu dejo - Geet | RekhtaGujarati

પ્રભુ દેજો

prabhu dejo

સુન્દરમ્ સુન્દરમ્
પ્રભુ દેજો
સુન્દરમ્

પ્રભુ, મારી અંધારી રાત્યુંને દેજો તારલા જી,

મારી અંજવાળી રાતડીને ચાંદ,

કે ઊજળા દિનોને દેજો ભાણ જી. પ્રભુ મારીo

પ્રભુ, મારી ફોરમને દેજો એનાં ફૂલડાં જી,

મારા વગડાને દેજો એનાં ઝાડ,

કે ધરતીને દેજો એનાં આભ જી. પ્રભુ મારીo

પ્રભુ, મારી ચણને દેજો રે ચણનાર જી,

મારાં પાણીડાંને દેજો એના તીર,

કે સમદરને દેજો એના લોઢ જી. પ્રભુ મારીo

પ્રભુ, મારા આંગણાંને દેજો એનાં બાળુડાં જી,

મારા ગોંદરાને દેજો રે તળાવ,

કે ગાવડીને દેજો એનાં દૂધ જી. પ્રભુ મારીo

પ્રભુ, મારા મનડાને દેજો એનાં માનવી જી.

મારા દિલડાને દેજો એનું દિલ,

કે આતમાને દેજો એના રામ જી. પ્રભુ મારીo

(ર૮ જાન્યુઆરી, ૧૯પ૬)

સ્રોત

  • પુસ્તક : મુદિતા (પૃષ્ઠ ક્રમાંક 22)
  • સર્જક : સુન્દરમ્
  • પ્રકાશક : આર. આર. શેઠની કંપની
  • વર્ષ : 1991