pothyun utarshe - Geet | RekhtaGujarati

પોઠ્યું ઊતરશે

pothyun utarshe

મનહર જાની મનહર જાની
પોઠ્યું ઊતરશે
મનહર જાની

હવે ઘડીબઘડીમાં રાત્ય પડશે રે

બાઈજી ફાનસ પેટાવો મારે ઓરડે...

ઝાંઝરીની જેમ મેં તો કાગાનીંદરમાં

કેતકીની વાડ્ય પગે બાંધી;

અધરાતે સાંધવા બેઠી'તી કમખો ને

ચોમાસું સાવ લીધું સાંધી.

મારી પિંડીએથી પોઠ્યું ઊતરશે રે

બાઈજી ફાનસ પેટાવો મારે ઓરડે...

આગળના ટોડલાની ઊભી કનેરીએ

આવે ને જાય છે કાળોતરો;

અમથું જરીક ક્યાંક ખખડે કમાડ અને

ભણકારો પડે જીવ સોંસરો.

મારી આંખે અંધારાં આભડશે રે

બાઈજી ફાનસ પેટાવો મારે ઓરડે...

સ્રોત

  • પુસ્તક : સાંબેલું ચંદણ સાગનું (પૃષ્ઠ ક્રમાંક 18)
  • સર્જક : મનહર જાની
  • પ્રકાશક : પોતે
  • વર્ષ : 2001