poDhanapnota - Geet | RekhtaGujarati

પોઢણપનોતા

poDhanapnota

હીરાબેન પાઠક હીરાબેન પાઠક
પોઢણપનોતા
હીરાબેન પાઠક

રે ઘટઘટ વાસ વસંતા

પ્રભુ! જાગો પોઢણપનોતા

મુજ જંતર આ વાજંતાં. - પ્રભુ! જાગો.

બ્રાહ્મમુહૂર્તને મંગલ પ્રહરે,

ઘંટારવની ગહરી લહરે,

આતમ સાધે સુરતા – પ્રભુ! જાગો.

નોબત ગાજે ઝાલરું બાજે,

આરતી લળીલળી નાચે,

મંગલ સાજ સુહાતા. – પ્રભુ! જાગો.

દૂરદૂર દરિયાવતણાં જલ,

બંદીજનની જાણે બિરદાવલ!

ઊમટી ઊલટભર ગાતા – પ્રભુ! જાગો.

જાગી પ્રભુ, સામું મુજ જોજો

ભવભવની આરત મીટવજો,

લોચન આંસું લ્હોતાં – પ્રભુ! જાગો.

અપૂરવ સૂર અતલને તાગે,

અંતરનું જંતર એમ વાગે,

દ્યો વરદાન, વિધાતા! – પ્રભુ! જાગો.

પ્રભુ જાગો પોઢણપનોતા,

મુજ વ્હાલા પ્રભુ!

જાગો પોઢણપનોતા.

સ્રોત

  • પુસ્તક : આપણી કવિતાસમૃદ્ધિ (ઉત્તરાર્ધ) (પૃષ્ઠ ક્રમાંક 121)
  • સંપાદક : ચન્દ્રકાન્ત ટોપીવાળા
  • પ્રકાશક : ગુજરાતી સાહિત્ય પરિષદ
  • વર્ષ : 2004