podhan diidhaa makhmalnaan - Geet | RekhtaGujarati

પોઢણ દીધાં મખમલનાં...

podhan diidhaa makhmalnaan

વિનોદ જોશી વિનોદ જોશી
પોઢણ દીધાં મખમલનાં...
વિનોદ જોશી

પોઢણ દીધાં મખમલનાં ને નીંદર દીધી નંઈ,

સખી! હું સોળ વરસની થઈ…

કમખો માગે પતંગિયાં ઓઢણિયું માગે મોર,

અવસર વરસે અનરાધારે અંધારે ઘનઘોર;

અમથાં પીધાં ઝળઝળિયાં ને નજરું પીધી નંઈ,

સખી! હું સોળ વરસની થઈ…

શમણાં રોપ્યાં ઉંબરિયે ઓસરિયે ઊગ્યાં વેણ,

જીવતર ઢાળ્યાં પાંગતમાં ઓશીકે ઉઘડ્યાં નેણ;

વાવડ લીધા પડખાંમાં ને અટકળ લીધી નંઈ,

સખી! હું સોળ વરસની થઈ…

સ્રોત

  • પુસ્તક : ખુલ્લી પાંખે પિંજરમાં... (પૃષ્ઠ ક્રમાંક 85)
  • સર્જક : વિનોદ જોશી
  • પ્રકાશક : પ્રવીણ પ્રકાશન
  • વર્ષ : 2023