piyuji, aghgha re’jo - Geet | RekhtaGujarati

પિયુજી, આઘ્ઘા રે’જો...

piyuji, aghgha re’jo

હરીશ્ચંદ્ર જોશી હરીશ્ચંદ્ર જોશી
પિયુજી, આઘ્ઘા રે’જો...
હરીશ્ચંદ્ર જોશી

ચૈતરની ડાળીયે ચડતાં પૂર પિયુજી, આઘ્ઘા રે’જો

અમને લીલાં ઘેન કરે ઘેઘૂર પિયુજી, આઘ્ઘા રે’જો

અમે પિયુજી...

તમે પિયુજી, જંગલની લીલીકચ ઝૂલતી કળી

ઝાકળથી ધોયેલી મખમલ સવાર અમને મળી

કાચી કાચી સુગંધથી ભરપૂર પિયુજી, આઘ્ઘા રે’જો

તમે પિયુજી...

તમે પિયુજી, એનઘેન અંધારું ભીતર ભરો

કાળમીંઢ પથ્થરની છાતીને ઊંચકતા ફરો

અમે ઊગતાં થાશો ચૂરેચૂર પિયુજી, આઘ્ઘા રે’જો

અરે પિયુજી...

અરે પિયુજી, જરાક અમથા હડદોલે નંદવાશે

તલાવડી હું, કાચી ઉંમર પાળ તૂટતી જાશે

ધસમસ તાણી જાશું તમને દૂર પિયુજી, આઘ્ઘા રે’જો

ચૈતરની ડાળીએ વધતાં પૂર પિયુજી, આઘ્ઘા રે’જો

અમને ઝીણાં ઘેન કરે ઘેઘૂર પિયુજી, આઘ્ઘા રે’જો

સ્રોત

  • પુસ્તક : ભિન્ન ષડ્જ (પૃષ્ઠ ક્રમાંક 22)
  • સર્જક : હરિશ્ચન્દ્ર જોશી
  • પ્રકાશક : રંગદ્વાર પ્રકાશન
  • વર્ષ : 2007