geet - Geet | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

વેકેશન માણીને જ્યારે પાછી હું જાઉં

મધમીઠી યાદ થકી મનમાં મલકાઉં

શોપીંગની સાથે હું સ્મરણો લઈ જાઉં

બેગની સંગાથે હું છાની છલકાઉં

આંખોમાં આંસુ એમ લાવવાનું નહીં

પપ્પા, મને મુકવા તમારે આવવાનું નહીં

લાવી’તી સાથે વ્હેંચીને ચાલી હું

મહિયરમાં કેટલું મસ્તીથી મ્હાલી હું

લાવી છું સ્વેટર તમે પ્હેરી નાખજો

ફેરવીને હાથ એને મુકી ના રાખજો

વાપરજો, સાચવીને રાખવાનું નહીં

પપ્પા, મને મુકવા તમારે આવવાનું નહીં

ચાલવાના શૂઝ હું જે લાવી છું ખાસ

પ્રાઇસ ટૅગ શોધવા ના કરજો પ્રયાસ

બગીચાના બાંકડે ભલે કરો મોજ

પ્રોમીસ આપ્યું છે તમે ચાલવાનું રોજ

દોસ્તોને કેવળ બતાવવાનું નહીં

પપ્પા, મને મુકવા તમારે આવવાનું નહીં.

અથાણા, મસાલા બધું ત્યાં મળતું

તોય મારી ભાભીને ચેન નથી પડતું

ના પાડું તોય તે ક્યાં મારું માનશે?

જાણતી’તી ભાભી બેગ પાછી છલકાવશે

કેટલું સમજાવી, કશું લાવવાનું નહીં

પપ્પા, મને મુકવા તમારે આવવાનું નહીં

બેગ હું ભરું ત્યારે સામે ઉભા રહીને

કાઢું પાછું મુકાવો છો સમ દઈને

નથી કાઢવાનું, તો લેવાનું છે

કેટલું મુકાવો છો ફરી ફરી કહી કહીને

બેગ માંહે બાળપણ મુકાવવાનું નહીં

પપ્પા, મને મુકવા તમારે આવવાનું નહીં

થોડું તો ચાલે બેટા, કોઈ નથી પૂછતું

સમજે બધાય હવે, લઈ જાને સાથ તું

કેમ કરી સમજાવું પપ્પાજી, તમને હું

કાઉન્ટર પર જઇ હું તે કેમ કરી કહું

લાગણીને કાંટા પર તોલવાનું નહીં

પપ્પા, મને મુકવા તમારે આવવાનું નહીં

પિયરમાં દીકરીનું વજન તો વધવાનું

ચાર ટાઇમ પેટ ભરી રોજરોજ જમવાનું

મમ્મીના હાથનું ને ભાભીના હેતનું

પરદેશે આવું ક્યાં કોઈને મળવાનું?

અહીંયાનું કૈં ત્યાં સંભારવાનું નહીં

પપ્પા, મને મુકવા તમારે આવવાનું નહીં.

એરપોર્ટ આવીને સૂચનાઓ આપશો

પાસપોર્ટ ટીકીટ ફરી જોવાને માગશો

સાચવીને જજે એવું બોલી ઉમેરશો

પ્હોંચીને ફોન કરજે એવું કહેશો

ભૂલી જાઉં તો ઓછું આણવાનું નહીં

પપ્પા, મને મુકવા તમારે આવવાનું નહીં

જોયા કરો છો જ્યાં સુધી દેખાતી

કાચની દીવાલ મને એક્વેરિયમ લાગતી

કાંઠો છોડીને જતી દરિયાની માછલી

બીજા કાંઠે રે એની વાટ્યું જોવાતી

આંસુને કેમ કહું, આવવાનું નહીં

પપ્પા, મને મુકવા તમારે આવવાનું નહીં

દીકરી ને પપ્પાનો એવો સંબંધ છે

ફૂલ મહીં સચવાતી એની સુગંધ છે

હાથ મુકી માથે મૂંગા રહી બોલતા

દીકરીનાં આંસુમાં એનો અનુબંધ છે

પણ પપ્પાને આંસુ બતાવવાનું નહીં

પપ્પા, મને મુકવા તમારે આવવાનું નહીં.

સ્રોત

  • પુસ્તક : રેખ્તા ગુજરાતી માટે કવિએ પોતે પસંદ કરેલી કૃતિ.