diikriinun giit - Geet | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

આવો પ્રસ્તાર ક્યાંય દીઠો?

દીકરીના વહાલનો આવો વિસ્તાર તમે આવો પ્રસ્તાર ક્યાંય દીઠો?

લખવાના ટેબલનો કબજો લઈ બોલે કે ‘જમવાનું ટેબલ છે મારું'!

છાતીએ ચઢીને થાય વાંદરાનું બચ્ચું ને ગોદમાં ચઢીને કહે 'કાંગારું’!

માથે બેસીને કહે, 'હું તો મુકુટ છું', ને વાંસે ચઢીને ખંધો મીઠો!

દીકરીના વહાલનો આવો વિસ્તાર તમે આવો પ્રસ્તાર ક્યાંય દીઠો?

ઘરમાં પ્રવેશો ત્યાં શું લાવ્યા ડેડ? કહીને થેલા ફંફોસે!

નીકળે જો ગમતું તો રાજી થઈ જાય અને નહીં તો ભરાય રોષે!

‘કીટ્ટા છે ડેડ, ના બીચ્ચા નૈ થાય, લઈ આવો ભાગ મારો મીઠો!'

દીકરીના વહાલનો આવો વિસ્તાર તમે આવો પ્રસ્તાર ક્યાંય દીઠો?

ઢીંગલાની જાનમાં પોપટ ને રીંછ સાથે બેસાડે અમને કતારમાં,

ખોટુકલી લાપસી સાચુકલા હેતથી, ચાખીને પીરસે સવારમાં!

દિવસ નહીં આપણો આખો અવતાર એના નયણાંના નેહથી અજીઠો!

દીકરીના વહાલનો આવો વિસ્તાર તમે આવો પ્રસ્તાર ક્યાંય દીઠો?

મારા બે પોપચાંને હળવેથી ખોલી ને મારી ઉઘાડતી સવાર!

બે દસકા જીવતરના એવા વહી જાય જાણે પંખીડે મારી લટાર!

મા, દાદી, બહેનીનો ત્રિવેણી સંગમ; જેના ભીતરમાં વહેતો અદીઠો!

દીકરીના વહાલનો આવો વિસ્તાર તમે આવો પ્રસ્તાર ક્યાંય દીઠો?

સ્રોત

  • પુસ્તક : અડધો ચાંદો ઊગે... (પૃષ્ઠ ક્રમાંક 1)
  • સર્જક : સતીશચંદ્ર વ્યાસ 'શબ્દ'
  • પ્રકાશક : એન. એમ. ઠક્કરની કંપની
  • વર્ષ : 2021