pappa, hwe phon mukun? - Geet | RekhtaGujarati

પપ્પા, હવે ફોન મૂકું?

pappa, hwe phon mukun?

મનોહર ત્રિવેદી મનોહર ત્રિવેદી
પપ્પા, હવે ફોન મૂકું?
મનોહર ત્રિવેદી

તો, પપ્પા, હવે ફોન મૂકું?

તમનેયે મોજ જરી આવે તે થયું મને STD-ની ડાળથી ટહૂકું?

હૉસ્ટેલને?...હૉસ્ટેલ તો ફાવે છે... જેમ કે કાંટાંમાં સચવાતું ફૂલ

તોય તો ઉઘડે છે... રંગભર્યું મહેકે છે... ડાળખીમાં કરે ઝૂલાઝૂલ

ફાગણના લીલાકુંજાર કોઈ ઝાડવાનું પાન એમ થાય નહીં સૂકું...

મમ્મીબા જલસામાં?... બાજુમાં ઊભી છે?... ના ના.... તો વાસણ છો માંજતી

કે'જો દીકરીયે તારાં સૌ સપનાંઓ રાત પડ્યે નીંદરમાં આંજતી

સાચવજો...ભોળી છે...ચિન્તાળુ...ભૂલકણી...પાડજો ના વાંકું કે ચૂંકું...

શું લીધું?... સ્કૂટરને? ...ભારે ઉતાવળા... શમ્ભુ તો કે'તો'તો ફ્રિજ

કેવા છો જિદ્દી?... ને હપ્તા ને વ્યાજ... વળી ઘર આખું ઠાલવશે ખીજ

ઝાઝી તે વાતુંનાં ગાડાં ભરાય : કહું હાઈકુમાં, એટલે કે ટૂંકું

તો, પપ્પા, હવે ફોન મૂકું?

સ્રોત

  • પુસ્તક : સિગ્નેચર પોયમ્સ (પૃષ્ઠ ક્રમાંક 94)
  • સંપાદક : મણિલાલ હ. પટેલ, ગિરિશ ચૌધરી
  • પ્રકાશક : એકત્ર ફાઉન્ડેશન (ડિજિટલ પ્રકાશન)
  • વર્ષ : 2021