pilo rang - Geet | RekhtaGujarati

હાં રે મને પ્યારો છે

આભમાં ઊઘડતી સંધ્યા તણોય પીળેરો રંગ,

હાં રે બીજો પ્યારો છે

બાગમાં ખીલેલી ચંપાકળીનો પીળેરો રંગ.

હાં રે મને પ્યારો છે.

ભાભી કેરી વેણીના કેવડાનો પીળેરો રંગ,

હાં રે બીજો પ્યારો છે

પીઠીભરી લાડીને અંગ ઊઠ્યો પીળેરો રંગ.

હાં રે મને પ્યારો

ચંદ્ર સૂર્ય તારાનો તેજભર્યો પીળેરો રંગ,

હાં રે બીજો પ્યારો

દીન તણા ઝાંખા ઘરદીવડાનો પીળેરો રંગ.

હાં રે મને પ્યારો

વગડાઉ આવળોની ફૂલ-પામરીનો પીળેરો રંગ.

હાં રે બીજો પ્યારો

ચીનાઈ કે જપાની બેની! તમારો પીળેરો રંગ.

હાં રે મને પ્યારો છે

ઈશ્વરે દીધેલો આછો કે ઘેરો પીળેરો રંગ,

એક બહુ અકારો છે.

દોષ દેખનારી કો આંખડીનો પીળેરો રંગ.

સ્રોત

  • પુસ્તક : સોના નાવડી (પૃષ્ઠ ક્રમાંક 215)
  • સંપાદક : જયંત મેઘાણી
  • પ્રકાશક : ગુજરાત સાહિત્ય અકાદમી
  • વર્ષ : 1997