phool ween, sakhe! - Geet | RekhtaGujarati

ફૂલ વીણ, સખે!

phool ween, sakhe!

કલાપી કલાપી
ફૂલ વીણ, સખે!
કલાપી

ફૂલ વીણ, સખે! ફૂલ વીણ, સખે!

હજુ તો ફૂટતું પ્રભાત, સખે!

અધુના કલી જે વિકસી રહી છે,

ઘડી બે ઘડીમાં મરતી દિસશે;

સુમહોજ્જવલ કિરણો રવિનાં,

પ્રસરે હજુ તો નભઘુમ્મટમાં;

વિલમ્બ ઘટે

કંઈ કાળ જતે,

રવિ પણ અસ્ત થવા ઢળશે,

નમતાં શિર સૌ કુસુમો કરશે,

પછી ગંધ પરાગ નહીં મળશે!

ફૂલ વીણ, સખે! ફૂલ વીણ, સખે!

હજુ તો ફૂટતું પ્રભાત સખે!

નકી ઉત્તમ અગ્રિમ કાલ, સખે!

ભર યૌવન હજુ રક્ત, સખે!

ગતિ કાલની ચોક્કસ ન્હોય, સખે!

ભરતી પછી ઓટ હોય, સખે!

ફૂલ વીણ, સખે!

તક જાય, સખે!

ઢળતી થઈ તો ઢળતી થશે,

રજની મહીં ચંદ્ર ઉગે ઉગે,

હજુ દિવસ છે,

ફુલડાં લઈ લે;

ફરી લે, રમી લે, હસી લે તું, સખે!

મૃગલાં રમતાં,

તરુઓ લડતાં,

વિહગો ઊડતાં,

કળીએ કળીએ ભ્રમરો ભમતા;

ઝરણું પ્રતિ હર્ષભર્યું કૂદતું,

ઊગતો રવિ જોઈ શું હસતું?

પછી કેમ વિમાસી રહ્યો તું, સખે?

ફૂલ વીણ, સખે! ફૂલ વીણ, સખે!

હજુ તો ફૂટતું પ્રભાત, સખે!

સ્રોત

  • પુસ્તક : કલાપીનો કાવ્યકલાપ (પૃષ્ઠ ક્રમાંક 96)
  • સંપાદક : અનંતરાય રાવળ
  • પ્રકાશક : ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય
  • વર્ષ : 2011
  • આવૃત્તિ : પુનર્મુદ્રણ