phool hun to bhuli - Geet | RekhtaGujarati

ફૂલ હું તો ભૂલી

phool hun to bhuli

ન્હાનાલાલ દલપતરામ કવિ ન્હાનાલાલ દલપતરામ કવિ
ફૂલ હું તો ભૂલી
ન્હાનાલાલ દલપતરામ કવિ

વેણી ગૂંથી ને મહીં ફૂલ હું તો ભૂલી;

ભૂલ્યું ભુલાય કેમ એમ? અલબેલડી!

વેણી ગૂંથી ને મહીં ફૂલ હું તો ભૂલી.

ઊગી આષાઢ કેરી વાદળી આકાશે;

દીઠો મહીં ભર્યો પ્રેમ, અલબેલડી!

વેણી ગૂંથી ને મહીં ફૂલ હું તો ભૂલી.

વાડીમાં વીજળીની વેલડી ઝબૂકે,

દીઠી મહીં રસઆંખ, અલબેલડી!

વેણી ગૂંથી ને મહીં ફૂલ હું તો ભૂલી.

વાડીમાં મોરલા કલા કરી રહ્યા'તા;

દીઠી મહીં રૂપપાંખ, અલબેલડી!

વેણી ગૂંથી ને મહીં ફૂલ હું તો ભૂલી.

મીઠું શું આભનીયે પાર કાંઇ ગાજ્યું;

સુણ્યા મહીં મુજ કાન્ત, અલબેલડી!

વેણી ગૂંથી ને મહીં ફૂલ હું તો ભૂલી.

અંગુલિના સ્પર્શના સમાં ફોરાં અડ્યાં, ત્ય્હાં

નાઠી હું ઓરડે એકાન્ત, અલબેલડી!

વેણી ગૂંથી ને મહીં ફૂલ હું તો ભૂલી.

સ્રોત

  • પુસ્તક : ન્હાનાલાલ-મધુકોષ (પૃષ્ઠ ક્રમાંક 27)
  • સંપાદક : અનંતરાય રાવળ
  • પ્રકાશક : સાહિત્ય અકાદમી
  • વર્ષ : 2002