pheen jhajhan ne - Geet | RekhtaGujarati

ફીણ ઝાઝાં ને-

pheen jhajhan ne

મનુભાઈ ત્રિવેદી મનુભાઈ ત્રિવેદી
ફીણ ઝાઝાં ને-
મનુભાઈ ત્રિવેદી

વેગીલા બેલી, ફીણ ઝાઝાં ને નીર થોડાં.

વગદાં ઝાઝાં ને હીર થોડાં;

વેગીલા બેલી, ફીણ ઝાઝાં ને નીર થોડાં.

વેધ વીંધવાને સહુએ પણછું ચડાવી;

થોથાં ઝાઝાં ને તીર થોડાં:

વેગીલા બેલી, ફીણ ઝાઝાં ને નીર થોડાં.

મનની મનીષા, બેલી, સહુ કોઈ સાધે;

ચંચળ ઝાઝાં ને થીર થોડાં:

વેગીલા બેલી, ફીણ ઝાઝાં ને નીર થોડાં.

જંગ જીતવાને જાણે સહુ કોઈ હાલે;

મડદાં ઝાઝાં ને મીર થોડાં:

વેગીલા બેલી, ફીણ ઝાઝાં ને નીર થોડાં.

કહે છે સરોદ, દુનિયા નીરખીને જોઈ લો,

પાણા ઝાઝા ને પીર થોડા:

વેગીલા બેલી, ફીણ ઝાઝાં ને નીર થોડાં.

સ્રોત

  • પુસ્તક : વીસમી સદીની ગુજરાતી કાવ્યમુદ્રા (પૃષ્ઠ ક્રમાંક 459)
  • સંપાદક : ચન્દ્રકાન્ત શેઠ, યોગેશ જોષી, હર્ષ બ્રહ્મભટ્ટ, ઊર્મિલા ઠાકર
  • પ્રકાશક : ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય
  • વર્ષ : 2007