pharwa aawyo chhun - Geet | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

ફરવા આવ્યો છું

pharwa aawyo chhun

નિરંજન ભગત નિરંજન ભગત
ફરવા આવ્યો છું
નિરંજન ભગત

હું તો બસ ફરવા આવ્યો છું!

હું ક્યાં એકે કામ તમારું કે મારું

કરવા આવ્યો છું?

અહીં પથ પર શી મધુર હવા

ને ચ્હેરા ચમકે નવા નવા!

-રે ચહું પાછો ઘેર જવા!

હું ડગ સાત સુખે ભરવા અહીં સ્વપ્નમહીં

સરવા આવ્યો છું!

જાદુ એવો જાય જડી

કે ચાહી શકું બે ચાર ઘડી

ને ગાઈ શકું બે ચાર કડી

તો ગીત પ્રેમનું પૃથ્વીના કર્ણપટે

ધરવા આવ્યો છું!

હું તો બસ ફરવા આવ્યો છું!

સ્રોત

  • પુસ્તક : આપણી કવિતાસમૃદ્ધિ (ઉત્તરાર્ધ) (પૃષ્ઠ ક્રમાંક 149)
  • સંપાદક : ચન્દ્રકાન્ત ટોપીવાળા
  • પ્રકાશક : ગુજરાતી સાહિત્ય પરિષદ
  • વર્ષ : 2004