phariyad - Geet | RekhtaGujarati

બાઈજી! તારો બેટડો મુંને ઘડી ઘડીમાં ખીજવે.

હું મૂઈ રંગે શામળી ને લાડમાં બોલવા જઉં,

હાલતાં ચાલતાં બોલ વ્હાલપના પરણ્યાજીને કઉં.

બાઈજી! તારો બેટડો મુંને કૉયલ કહીને પજવે!

બાઈજી! તારો બેટડો મુંને ઘડી ઘડીમાં ખીજવે.

જરાક અમથી ભૂલ ને પછી પરણ્યો મારે મ્હેણું,

આંસુનાં ઝરણાંની સાથે ભવનું મારે લેણું.

બાઈજી! તારો બેટડો મારી આંખે ચોમાસું ઊજવે!

બાઈજી! તારો બેટડો મુંને ઘડી ઘડીમાં ખીજવે.

મોલ ભરેલા ખેતરમાં નહીં પતંગિયાનો પાર,

નજરુંનાં અડપલાંનો છે મહિમા અપરંપાર!

બાઈજી! તારો બેટડો મારા ગાલને છાના ભીંજવે

બાઈજી! તારો બેટડો મુંને ઘડી ઘડીમાં રીઝવે!

સ્રોત

  • પુસ્તક : ઉત્તરાયણ (પૃષ્ઠ ક્રમાંક 145)
  • સંપાદક : દીપક મહેતા
  • પ્રકાશક : નેશનલ બુક ટ્રસ્ટ, ઇન્ડિયા
  • વર્ષ : 2008