phagan aawyo phulyo - Geet | RekhtaGujarati

ફાગણ આવ્યો ફૂલ્યો

phagan aawyo phulyo

ગોવિંદભાઈ પટેલ ગોવિંદભાઈ પટેલ
ફાગણ આવ્યો ફૂલ્યો
ગોવિંદભાઈ પટેલ

ફાગણ આવ્યો ફૂલ્યો,

શિશિર તણો પાલવ ખેંચાતાં વૈભવ સઘળો ખૂલ્યો.

કેસૂડલાની કળીએ કેવાં

સ્વપ્ન સુનેરી સીંચ્યાં!

આભ તણા અંતરને આંબી

હૈયાં હેતે હીંચ્યાં,

કોકિલના ટહુકારે કેવાં બદલી નાંખ્યાં મૂલ્યો!

ફૂલડે ફૂલડે હાસ્ય કરે શું

લાસ્ય ભરેલી ગોરી!

પ્રીત ગજવતા તોરી કેવી

અલિગણ છેડી હોરી!

સૂર અને સૂરતમાં કેવો જડતારાશિ ડૂલ્યો!

લહર લહરમાં વારે વારે

કોણ મોકલે તેડાં?

રાતદિવસ ભુલાવી ઠાલાં

કોણ કરે છે ચેડાં?

આમ્ર રહ્યો મ્હેકી એવો કે કલ્પવૃક્ષ હું ભૂલ્યો.

ફાગણ આવ્યો ફૂલ્યો.

સ્રોત

  • પુસ્તક : પિપાસા (પૃષ્ઠ ક્રમાંક 122)
  • સર્જક : ગોવિન્દભાઈ પટેલ
  • પ્રકાશક : વોરા ઍન્ડ કંપની
  • વર્ષ : 1962