ફાંસ જરા શી વાગી ગઈ
phaans jaraa shii vaagii gaii
વિનોદ જોશી
Vinod Joshi
વિનોદ જોશી
Vinod Joshi
ફાંસ જરા શી વાગી ગઈ ને વાંસ જેવડું
ખટકે છે કંઈ અંદર અંદર,
પરબારું લે, હડી કાઢતું હાંફી જઈને
અટકે છે કંઈ અંદર અંદર;
મોરપિચ્છને બોલ, હતું ક્યાં ભાન કે રાધા
સાન કરી છેતરશે એને,
ભરચોમાસે હવે રઝળતા ટહુકા જેવું
ભટકે છે કંઈ અંદર અંદર;
ધૂળમાં ચકલી ન્હાય ને એને થાય કે આલ્લે...
દરિયાદરિયા ઉમટ્યા છે કંઈ,
પછી હવાથી ડિલ લૂછીને છટકે એવું
છટકે છે કંઈ અંદરઅંદર;
રાજકુંવરી હિંડોળામાં ઝૂલે રે... કાંઈ
તૂટે ઘરનો મોભ સામટો,
કહું છું મારા સમ, જરા શી ઠેસ વાગતાં
બટકે છે કંઈ અંદર અંદર;
બારસાખમાં આસોપાલવ 'કોક' બનીને મ્હોરે,
શ્રીફળ પછી વધેરો,
લખી 'લાભ' ને 'શુભ' ઉઘાડી સાંકળ થઈને
લટકે છે કંઈ અંદર અંદર
સ્રોત
- પુસ્તક : ઝાલર વાગે જૂઠડી (પૃષ્ઠ ક્રમાંક 44)
- સર્જક : વિનોદ જોશી
- પ્રકાશક : પાર્શ્વ પબ્લિકેશન
- વર્ષ : 2015
- આવૃત્તિ : ચોથી આવૃત્તિ
