ફાગણના દિવસોમાં...
phaagannaa divasomaan...
રમેશ પારેખ
Ramesh Parekh

તારા ગણવાથી રાત પૂરી ન થાય
હવે તારા ગણવાથી વાત પૂરી ન થાય
એકલવાયા રે સખી, ઘરના રહેવાસ એમાં આવા ને આવા ઉજાગરા
ફાગણના દિવસોમાં ફળિયે તો ઠીક, મારાં લોચનમાં મ્હોર્યા છે ખાખરા
લંબાતી ઝંખનાને છેડો નહીં ક્યાંય
હું તો પગલે પગલે રે સાવ તૂટું
કાંકરીઓ વાગવાથી ફૂટતી’તી હેલ્ય
હવે એવા દિવસો કે હું જ ફૂટું
આથમણી મેર ડૂબે સૂરજ છતાંય મારે રોમરોમ તડકાઓ આકરા
આથમણી મેર ડૂબે સૂરજ છતાંય મારે રોમરોમ તડકાઓ આકરા
કોડને કમાડ કદી ઘૂંટેલાં લાભશુભ
રાતુંચટ્ટાક હજી જાગે
ઓસરીમાં આભલાંનું તોરણ
તે કોઈ એક આવે તો કેટલાય લાગે
ભણકારો સ્હેજસાજ વાગ્યાથી લોહીઝાણ થઈ જાતા જોયાના કાંગરા
ભણકારો સ્હેજસાજ વાગ્યાથી લોહીઝાણ થઈ જાતા જોયાના કાંગરા
ફાગણાના દિવસોમાં ફળિયે તો ઠીક મારાં લોચનમાં મ્હોર્યા છે ખાખરા



સ્રોત
- પુસ્તક : ક્યાં (પૃષ્ઠ ક્રમાંક 41)
- સર્જક : રમેશ પારેખ
- પ્રકાશક : આદર્શ પ્રકાશન
- વર્ષ : 2002
- આવૃત્તિ : આઠમું પુનર્મુદ્રણ