simantini - Geet | RekhtaGujarati

સીમંતિની

simantini

સુશીલા ઝવેરી સુશીલા ઝવેરી
સીમંતિની
સુશીલા ઝવેરી

કોઈને હું તો કહું નૈ બસ, વાયરાની જેમ વહું;

ઉદરે મૃદુ ગીત ઉછેરી ફૂલની ફોરમ લઉં.

વણદીઠા વદન ઉપર સ્મિત અદીઠું મહેકે;

રહે હથેલી ઝાંખી, ક્યારે મોરલાનું વન ગ્હેકે

પુલક પુલક અણુ અણુ મમ રોમને એવું કહું

કોઈને હું તો કહું નૈ બસ, વાયરાની જેમ વહું...

પારણું પોપટ મોર મઢ્યું હું નીંદમાં હીંચોળું;

હાલરડાંના સૂરમાં મીઠા, શોધું શૈશવ ભોળું.

હરખની મુજ ઉરમાં વાગે વાંસળી, એવું લહું

કોઈને હું તો કહું નૈ બસ, વાયરાની જેમ વહું...

પળે પળે હું સુણ્યાં કરું ઝાંઝર ઝીણો રવ;

આંગળી કળી મોગરાની, ગુલપાનીનો પગરવ.

પ્રાણમાં પમરી આવજે મારા વ્હાલમાં વીંટી લઉં

કોઈને હું તો કહું નૈ બસ, વાયરાની જેમ વહું...

સ્રોત

  • પુસ્તક : અક્ષરા : સ્વાતંત્ર્યોત્તર ગુજરાતી કવિતા (પૃષ્ઠ ક્રમાંક 125)
  • સંપાદક : યોસેફ મૅકવાન
  • પ્રકાશક : નેશનલ બુક ટ્રસ્ટ, ઇન્ડિયા
  • વર્ષ : 2007