phero - Geet | RekhtaGujarati

નક્કામો ફેરો દલજી નક્કામો નેડો!

કોણ રહ્યું સણસારી ભીતર કોણ ફાડતું છેડો!

મેંદી જેવું મન ઉછેરી

મલક બધીમાં મા’લ્યા,

માટીની ઇચ્છાએ ઓથે

ઘેઘૂર થઈને ફાલ્યા!

તૂટતાં પાન પવન પરબારો તોય મૂકે ના કેડો

નક્કામો ફેરો દલજી...

આમ જુઓ તો સાવ અડોઅડ

આમ જુઓ તો આઘું

પિંડ અને પડછાયા વચ્ચે

પડતર જેવો લાગું!

શિખર ચડું કે શેઢો નભનો નથી કશે નિવેડો,

નક્કામો ફેરો દલજી...

શ્વાસે શ્વાસે દોરી જેવું

કોણ ઉમેરે, છોડે?

દિન ઊગે દિન ડૂબે

પંખી કયા દેશમાં દોડે?

અંતે પડાવ અણધાર્યો જ્યાં પાંગથ નહી પછેડો,

નક્કામો ફેરો દલજી નક્કામો નેડો!

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી કવિતાચયન 1991 (પૃષ્ઠ ક્રમાંક 33)
  • સંપાદક : હર્ષદ ત્રિવેદી
  • પ્રકાશક : ગુજરાતી સાહિત્ય પરિષદ
  • વર્ષ : 1992