paglan - Geet | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

દરિયાને તીર એક રેતીની ઓટલી

ઊંચી અટૂલી અમે બાંધી જી રે,

પગલું તે એક એક પાડે મહેમાન એમ

રામજીની આણ અમે દીધી જી રે.

પહેલા મહેમાન તમે આવો, સૂરજદેવ,

પગલું સોનાનું એક પાડજો જી રે,

પગલામાં નવલખ તારાની ભાત ને

સંધ્યાના રંગ બે’ક માંડજો જી રે.

બીજા મહેમાન તમે આવો, પવનદેવ,

પગલું રૂપાનું એક પાડજો જી રે, ૧0

પગલામાં વાત લાખેા પરીઓના દેશની

ફૂલડાંની ફોરમ પૂરજો જી રે.

ત્રીજા મહેમાન તમે આવો, સમદરદેવ,

પગલું મોતીનું એક પાડજો જી રે,

પગલામાં મહેલ ચણી સાતે પાતાળના,

માણેકના દીવા પ્રગટાવજો જી રે.

ધીરે મહેમાન જરા ધીરેથી આવજો,

પગલાં તે પાડજો જાળવી જી રે,

જોજો વિલાય ના પગલાંની પાંદડી,

બાળુડે ઓટલી બનાવી જી રે, ર0

(૩૧ જુલાઈ, ૧૯૩૧)

સ્રોત

  • પુસ્તક : કાવ્યમંગલા (પૃષ્ઠ ક્રમાંક 39)
  • સર્જક : સુન્દરમ્
  • પ્રકાશક : આર. આર. શેઠની કંપની
  • વર્ષ : 1933