otrada wayra, utho! - Geet | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

ઓતરાદા વાયરા, ઊઠો!

otrada wayra, utho!

ઝવેરચંદ મેઘાણી ઝવેરચંદ મેઘાણી
ઓતરાદા વાયરા, ઊઠો!
ઝવેરચંદ મેઘાણી

ઓતરાદા વાયરા, ઊઠો ઊઠો હો તમે -

ઓતરાદા વાયરા, ઊઠો!

કૈલાસી કંદરાની રૂપેરી સોડ થકી

ઓતરાદા વાયરા, ઊઠો!

ધૂણન્તાં શિવ-જોગમાયાને ડાકલે

હાકલ દેતા, હો વીર, ઊઠો!

ભીડ્યાં દરવાજાની ભોગળ ભાંગીને તમે

પૂરપાટ ઘોડલે છૂટો! -ઓતરાદા.

ધરતીના દેહ પરે ચડિયા છે પુંજ પુંજ

સડિયેલાં ચીર, ધૂળ, કૂંથો;

જોબનનાં નીર મહીં જામ્યાં શેવાળ-ફૂગ

ઝંઝાનાં વીર, તમે ઊઠો! -ઓતરાદા.

કોહેલાં પાંદ-ફૂલ ફેંકી નાખો રે, ભાઈ!

કરમાતી કળીઓને ચૂંટો;

થોડી ઘડી વાર ભલે બુઝાતા દીવડાઃ

ચોર-ધાડપાડ ભલે લૂંટો! -ઓતરાદા.

છો ને છૂંદાય મારી કૂણેરી કૂંપળોઃ

સૂસવતી શીત લઈ છૂટો;

મૂર્છિત વનરાજિનાં ઢંઢોળો માથડાં,

ચીરો ચમકાટ એનો જૂઠો! -ઓતરાદા.

ઊઠો, કદરૂપ! પ્રેતસૃષ્ટિના રાજવી!

ફરી એક વાર ભાંગ ઘૂંટોઃ

ભૂરિયાં લટૂરિયાંની આંધીઓ ઉરાડતા

હુહુકાર-સ્વરે કાળ, ઊઠો! -ઓતરાદા.

કવિઓના લાડકડા મલયાનિલ મંદ મંદ!

રહેજે ચંદનની ગોદ સૂતો;

નથી નથી પર્વ પુષ્પધન્વાનું આજઃ ઘોર

વિપ્લવના ઢોલડા ધડૂકો! -ઓતરાદા.

(1934)

સ્રોત

  • પુસ્તક : સોના નાવડી (પૃષ્ઠ ક્રમાંક 12)
  • સંપાદક : જયંત મેઘાણી
  • પ્રકાશક : ગુજરાત સાહિત્ય અકાદમી
  • વર્ષ : 1997