patlaninun geet - Geet | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

પટલાણીનું ગીત

patlaninun geet

મણિલાલ હ. પટેલ મણિલાલ હ. પટેલ
પટલાણીનું ગીત
મણિલાલ હ. પટેલ

શમણાંના આંગણમાં સોનેરી પંખીની જેમ મને પાળજો

સામે બેસાડી મને નિરાંતે ટગરીનાં ફૂલો સમ ન્યાળજો

પે’લા વરસાદ પછી સુક્કાતી માટી છું :

મારામાં બંધ હજી મ્હોર્યાની મે'ક

મોર મને ઘાસનોય ગૂંથીને આપશોઃ

તો સાંભળશો સૂનમૂન ઢેલડીની ગે’ક

ભીતરમાં જળભરી રેત નદી છુઃ તમે વ્હાલપથી વીરડાઓ ગાળજો

સામે બેસાડી મને નિરાંતે ટગરીનાં ફ્લો સમ ન્યાળજો

ઝાડવાંને જોઉંને મારામાં થોકબંધ

લાલલીલાં પંખીઓ સીમભરી ગાતાં

શમણામાં શેઢો વીંટળાય મનેઃ

રોમરોમ મોલભર્યાં ખેતર લ્હેરાતાં

ઢાળિયાનાં પાણીની જેમ મને હળવેથી ક્યારામાં વાળજો

શમણાંના આંગણમાં સોનેરી પંખીની જેમ મને પાળજો...

(તા.૦૬-૦૯-ર૦૦૪)

સ્રોત

  • પુસ્તક : વિચ્છેદ (ગ્રામચેતનાની કવિતાનો સંચય) (પૃષ્ઠ ક્રમાંક 51)
  • સર્જક : મણિલાલ હ. પટેલ
  • પ્રકાશક : પાર્શ્વ પબ્લિકેશન
  • વર્ષ : 2006