mhara kesar bhina kanth - Geet | RekhtaGujarati

મ્હારા કેસર ભીના કંથ

mhara kesar bhina kanth

ન્હાનાલાલ દલપતરામ કવિ ન્હાનાલાલ દલપતરામ કવિ
મ્હારા કેસર ભીના કંથ
ન્હાનાલાલ દલપતરામ કવિ

મ્હારા કેસર ભીના કંથ હો! સિધાવોજી રણવાટ:

આભ ધ્રૂજે, ધરણી ધમધમે રાજ! ઘેરા ઘોરે શંખનાદ:

દુન્દુભિ બોલે મહારાજના, હો! સામન્તના જ્યવાદઃ મ્હારાo

આંગણ રણધ્વજ રોપિયા હો! કુંજર ડોલે દ્વારઃ

બંદી જનોની બિરદાવલી હો! ગાજે ગઢ મોઝાર: મ્હારાo

પૂર પડે, દેશ ડૂબતા હો! ડગમગતી મ્હોલાતઃ

કીર્તિ કેરી કારમી, રાજ! એક અખંડિત ભાત: મ્હારાo

નાથ! ચ્હડો રણ ઘોડલેરે, હું ઘેર રહી ગૂંથીશઃ

બખ્તર વજ્રની સાંકળી: હો! ભર રણમાં પાઠવીશ: મ્હારાo

સંગ લેશો તો સાજ સજું હો! માથે ધરૂં રણમ્હોડ

ખડગને માંડવ ખેલવાં, મ્હારે રણ લીલાના કોડઃ મ્હારાo

આવતાં ઝાલીશ બાણેને હો! ઢાલે વાળીશ ઘાવ:

ઢાલ ફુટ્યે મ્હારા ઉરમાં, રાજ! ઝીલીશ દુશ્મનના દાવ: મ્હારાo

એક વાટ રણવાસનીરે, બીજી સિંહાસન વાટ:

ત્રીજી વાટ શોણિતની સરિતે હો શૂરના સ્નાનનો ઘાટ: મ્હારાo

જય કલગી વળજો, પ્રીતમ! ભીંજશું ફાગે ચીરઃ

નહિં તો વીરને આશ્રમ મળશું હો! સુર ગંગાને તીર; મ્હારાo

રાજમુગટ રણ રાજવી! હો રણ ઘેલા! રણ ધીર!

અધીરો ઘોડીલા થનગને, નાથ! વાધો રણે, માહાવીર! મ્હારાo

સ્રોત

  • પુસ્તક : સંગીત મંજરી (પૃષ્ઠ ક્રમાંક 13)
  • સંપાદક : હિમ્મતલાલ ગણેશજી અંજારિયા
  • પ્રકાશક : હિમ્મતલાલ ગણેશજી અંજારિયા
  • વર્ષ : 1920
  • આવૃત્તિ : 2