paththar tharthar dhruje! - Geet | RekhtaGujarati

પથ્થર થરથર ધ્રૂજે!

paththar tharthar dhruje!

નિરંજન ભગત નિરંજન ભગત
પથ્થર થરથર ધ્રૂજે!
નિરંજન ભગત

પથ્થર થરથર ધ્રૂજે!

હાથ હરખથી જુઠ્ઠા ન જડ, પથ્થરની ત્યાં કોણ વેદના બૂઝે?

પથ્થર થરથર ધ્રૂજે!

અનાચાર આચરનારી કો અબળા પર, ભાગોળે,

એક ગામના ડાહ્યાજન સૌ ન્યાય નિરાંતે તોળે;

‘આ કુલટાને પથ્થર મારી, મારી નાખો!’ એમ કિલોલે કૂજે!

એક આદમી સાવ ઓલિયો વહી રહ્યો’તો વાટે,

સુણી ચુકાદો ચમક્યો, થંભ્યો, ઉરના કોઈ ઉચાટે;

હાથ અને પથ્થર બન્નેને જોઈ એનું દિલ દયાથી દૂઝે!

આ દુનિયાના શાણાઓ ના દુનિયાદારી જાણે,

ટોળા પર ત્યાં એમ હસીને બોલ્યો ટેવ પ્રમાણે :

‘જેણે પાપ કર્યું ના એકે

તે પથ્થર પ્હેલો ફેંકે!’

એકે એકે અલોપ પેલા સજ્જન, જ્યારે શું કરવું ના સૂઝે!

અબળા રહી ને રહ્યો ઓલિયો, એનું કવિજન ગીત હજીયે ગુંજે!

સ્રોત

  • પુસ્તક : છંદોલય (પૃષ્ઠ ક્રમાંક 241)
  • સર્જક : નિરંજન ભગત
  • પ્રકાશક : ગૂર્જર ગંર્થરત્ન કાર્યાલય
  • વર્ષ : 1997
  • આવૃત્તિ : (બીજી આવૃત્તિ)