paththar kan mare? - Geet | RekhtaGujarati

પથ્થર કાં મારે?

paththar kan mare?

નીતિન વડગામા નીતિન વડગામા
પથ્થર કાં મારે?
નીતિન વડગામા

ઝાડને તું પથ્થર કાં મારે?

પથ્થરના ઘાવ બધા ઝીલીને ઝાડ

ડાળ ફેલાવી તોય આવકારે!

લોહીઝાણ થઈ જાતું આખુંયે ઝાડ

રાવ કરશે તો કરશે પણ કોને?

આંસુને શોધવા તું ફાંફાં માર

એના અંદરના ઉઝરડા જોને!

ઝાડથી વછોયું એક પાંદડુંય પાણીમાં

ડૂબેલી કીડીને તારે.

ઝાડને તું પથ્થર કાં મારે?

કલબલતા માળાને ખૉળામાં લઈને

ટહુકા ઉછેરે છે મીઠા,

ટાઢ-તાપ વેંઢારી ઊભેલા ઝાડને

ભાગતાં કદીય તમે દીઠાં?

રોજરોજ ઝાડ અહીં બળબળતા દેહમાં

છાંયડાનું પીંછું પસવારે.

ઝાડને તું પથ્થર કાં મારે?

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી કવિતાચયન 2009 (પૃષ્ઠ ક્રમાંક 29)
  • સંપાદક : રાજેશ પંડ્યા
  • પ્રકાશક : ગુજરાતી સાહિત્ય પરિષદ
  • વર્ષ : 2012