Pila Rangna Patngiyama... - Geet | RekhtaGujarati

પીળા રંગના પતંગિયામાં...

Pila Rangna Patngiyama...

યોગેશ પંડ્યા યોગેશ પંડ્યા
પીળા રંગના પતંગિયામાં...
યોગેશ પંડ્યા

પીળા રંગના પતંગિયામાં રાતાં ટપકાં દોર્યાં સૈયર

કમખે મોર ટહુક્યા, ટહુકા છાતી વચ્ચે મ્હોર્યા મેં તો

ધબકારે ધબકારે આંખ્યે ઉજાગરાને ચોર્યા રાજ!

હું રાતા રંગનું પાનેતર...

હુ રાતા રંગનું પાનેતર, તું પાનેતરનો લીલા રંગનો દોરો

હુ શ્રાવણ, તું તો રજકાનાં વાવેતર જેવો લીલવછોયો છોરો

ચડતાં મારી આંગળિયુંમાં લીલાં કાચલ ઝામણ સૈયર

થડકે મારી કાયા, અંદર ફરતી ઝેરી નાગણ મેં તો

દીવો ઠાર્યો ત્યાં અંધારાં મારી અંદર મ્હોર્યા રાજ!

કંઈ ડૂબે રે કંઈ ડૂબે...

કંઈ ડૂબે રે કંઈ ડૂબે મારી અંદર કોરા સાત સમંદર ફરતા

કોઈ કાંઠે કોઈ મઝધારે કંઈ ભાન પડે ના તરતા ખાલી થડકા,

ગૂંગળાતી કાયાના કાંઠે પરસેવાનાં મોજાં સૈયર

હાંફલ-હુંફલ મેઘલ-માંસલ કેવા ચડતા સોજા મેં તો

પંડ્ય ઉપરના પડછાયાને હળવે રે સંકોર્યા રાજ!

પીળા રંગના પતંગિયામાં...

ટહુકા છાતી વચ્ચે મેં તો...

...હળવે રે સંકોર્યા રાજ!

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી કવિતાચયન : 1994 (પૃષ્ઠ ક્રમાંક 97)
  • સંપાદક : હરિકૃષ્ણ પાઠક
  • પ્રકાશક : ગુજરાતી સાહિત્ય પરિષદ, અમદાવાદ
  • વર્ષ : 1996