patangiyun ne chambeli - Geet | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

પતંગિયું ને ચંબેલી

patangiyun ne chambeli

કૃષ્ણલાલ શ્રીધરાણી કૃષ્ણલાલ શ્રીધરાણી
પતંગિયું ને ચંબેલી
કૃષ્ણલાલ શ્રીધરાણી

‘મળું મળું વ્હાલાને ક્યારે?

વીંટળાઉં ક્યારે?’ ઘેલી,

કોડભરી આવા ઉરમાં કૈં

લળતી આશભરી વેલી.

મુખ પર પુષ્પ કરે કેલી!

ફૂલરાણીશી ચંબેલી!

આરસનોયે અર્ક કરીને

બ્રહ્માએ આલેખ્યું રૂપ

સરસ્વતીની વેણીમાંથી,

ફૂલમાં પૂર્યા ગંધ અનુપ.

ફૂલડાંને ઊડવા આકાશ!

પાંખ વિના પૂરે શેં આશ?

મેઘધનુષી પાંખોવાળા

પતંગિયાને ભાળી પાસ;

ચંબેલી મલકંતી પૂછે,

‘એક મારી પૂરશો આશ?

મારો દેહ તમારી પાંખ -

એક બનીને ઊડશું આભ?’

ચંબેલીનો દેહ રૂડો, ને

પતંગિયાની પાંખ ધરી;

અવની, આભ, અનંતે ઊડે,

મલકંતી મ્હેકંતી પરી.

પતંગિયું ને ચંબેલી!

એક થયાં ને બની પરી!

સ્રોત

  • પુસ્તક : વીસમી સદીની ગુજરાતી કાવ્યમુદ્રા (પૃષ્ઠ ક્રમાંક 123)
  • સંપાદક : ચન્દ્રકાન્ત શેઠ, યોગેશ જોષી, હર્ષ બ્રહ્મભટ્ટ, ઊર્મિલા ઠાકર
  • પ્રકાશક : ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય
  • વર્ષ : 2007