સાવનઘન
Sawanghan
રમેશ ઓઝા
Ramesh Oza

ઘડી તડકો ઘડી ફોરાં
આ સાવનઘન ઘડી વરસે ઘડી કોરાં.
અણધાર્યાં અહીં-તહીંથી આવી,
નીલા નભસરમાં ઝંપલાવી
છબછબિયાં કરતાં જાણે કે નટખટ ગ્રામીણ છોરાં.
પેલા પર્વતશૃંગ ઉપર પલ
ઝૂકે, અન્ય ક્ષણે ફરી ઓઝલ –
ઘડી શ્યામથી દૂર રાધિકા, ને ઘડી જાણે ઓરાં.
ધૂપછાંવની મનભર માયા,
એક રૂપની વિધવિધ છાયા,
ઘડી પાર્વતી બને ભીલડી, ને ફરી ગૌરી ગોરાં.



સ્રોત
- પુસ્તક : કવિતા : જૂન, 1968 (પૃષ્ઠ ક્રમાંક 39)
- સંપાદક : સુરેશ દલાલ
- પ્રકાશક : જન્મભૂમિ પ્રકાશન, મુંબઈ