parthne kaho chaDawe ban - Geet | RekhtaGujarati

પાર્થને કહો ચડાવે બાણ

parthne kaho chaDawe ban

ન્હાનાલાલ દલપતરામ કવિ ન્હાનાલાલ દલપતરામ કવિ
પાર્થને કહો ચડાવે બાણ
ન્હાનાલાલ દલપતરામ કવિ

પાર્થને કહો ચડાવે બાણ.

હવે તો યુદ્ધ કલ્યાણ;

કહો, કુન્તાની છે આણ:

પાર્થને કહો ચડાવે બાણ.

ભીખ્યાં, ભટક્યાં, વિષ્ટિ, વિનવણી

કીધાં સુજનનાં કર્મ;

આર્ય સુજનતા દૈન્ય ગણી તો

યુદ્ધ યુગધર્મ;

સજીવન થાય પડ્યાયે પ્હાણઃ

પાર્થને કહો ચડાવે બાણ.

દ્રૌપદીની હજી વેણ છૂટી છે,

રાજસભાના બોલ;

રણનોતરાંના ઉત્તર દેજો

રણધીરને રણઢોલ:

પાર્થની પ્રત્યંચાને વાણ:

પાર્થને કહો ચડાવે બાણ.

મેહુલો બોલે, વાયુ હુંકારે,

ત્યમ તલપો, સિંહબાળ!

યુગપલટાના પદપડછન્દે

ગજવો ધોર ત્રિકાળ:

સજો શિર વીર! હવે શિરસ્ત્રાણઃ

પાર્થને કહો ચડાવે બાણ.

નૃલોક જોશે, કાળ નીરખશે

રણરમતો મુજ વંશ:

સત્ય, શીલ ને ધર્મયજ્ઞમાં

હજો વિશ્વવિધ્વંસ:

ઊગે જો! નભ નવયુગનો ભાણઃ

પાર્થને કહો ચડાવે બાણ:

વિધિનાં મહાનિર્માણઃ

પાર્થને કહો ચડાવે બાણ.

સ્રોત

  • પુસ્તક : બૃહદ ગુજરાતી કાવ્યપરિચય - 1 (પૃષ્ઠ ક્રમાંક 68)
  • સંપાદક : મોહનભાઈ પટેલ, ચન્દ્રકાન્ત શેઠ
  • પ્રકાશક : ગૂજરાત વિદ્યાપીઠ
  • વર્ષ : 1973