partham parnam mara - Geet | RekhtaGujarati

પરથમ પરણામ મારા

partham parnam mara

રામનારાયણ પાઠક 'શેષ' રામનારાયણ પાઠક 'શેષ'
પરથમ પરણામ મારા
રામનારાયણ પાઠક 'શેષ'

પરથમ પરણામ મારા, માતાજીને ક્હેજો રે

માન્યું જેણે માટીને રતંનજી;

ભૂખ્યાં રહૈ જમાડ્યા અમને, જાગી ઊંઘાડ્યા, એવાં

કાયાનાં કીધલાં જતંનજી.

બીજા પરણામ મારા, પિતાજીને ક્હેજો રે

ઘરથી બતાવી જેણે શેરીજી;

બોલી બોલાવ્યા અમને, દોરી હલાવ્યા ચૌટે,

ડુંગરે દેખાડી ઊંચે દેરીજી.

ત્રીજા પરણામ મારા, ગુરુજીને ક્હેજો રે

જડ્યા કે જડિયા, તોયે સાચાજી;

એકનેય ક્હેજો એવા સૌનેય ક્હેજો, જે જે

અગમનિગમની બોલ્યા વાચાજી.

ચોથા પરણામ મારા, ભેરુઓને ક્હેજો રે

જેની સાથે ખેલ્યા જગમાં ખેલજી;

ખાલીમાં રંગ પૂર્યા, જંગમાં સાથ પૂર્યાં,

હસાવી ધોવરાવ્યા અમારા મેલજી.

પાંચમા પરણામ મારા, વેરીડાને ક્હેજો રે

પાટુએ ઉઘાડ્યાં અંતર દ્વારજી;

અજાણ્યા દેખાડ્યા અમને ઘેરા ઉલેચાવ્યા જેણે

ઊંડા ઊંડા આતમના અંધારજી.

છઠ્ઠા પરણામ મારા જીવનસાથીને ક્હેજો રે

સંસારતાપે દીધી છાંયજી;

પરણામ વધારે પડે, પરણામ ઓછાયે પડે

આતમના ક્હેજો એક સાંઈજી,

સાતમા પરણામ, ઓલ્યા મહાત્માને ક્હેજો રે

ઢોરનાં કીધાં જેણે મનેખજી;

હરવા ફરવાના જેણે મારગ ઉઘાડ્યા રૂડા

હારોહાર મારી ઊંડી મેખજી.

છેલ્લા પરણામ અમારા, જગતને ક્હેજો જેણે

લીધા વિના આલિયું સરવસ્સજી;

આવ્યું ને આલશે, ને પાળ્યાં ને પાળશે, જ્યારે

ફરી અહીં ઊતરશે અમારો હંસજી.

સ્રોત

  • પુસ્તક : શ્રેષ્ઠ રા. વિ. પાઠક (પૃષ્ઠ ક્રમાંક 65)
  • સંપાદક : નિરંજન ભગત, ચિમનલાલ ત્રિવેદી
  • પ્રકાશક : ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય
  • વર્ષ : 2012