પાંપણ પર ઝૂલતાતાં શમણાં એ શમણાંનો
Panpan Par Jhulatata Shamana Ae Shamana no
તેજસ દવે
Tejas Dave
તેજસ દવે
Tejas Dave
પાંપણ પર ઝૂલતાતાં શમણાં એ શમણાંનો
હું પણ એક ભાગ હતો યાદ છે?
પાંપણ પર...
યાદ છે એ સાંજ? તું બોલ્યા વિના જ મને
તગમગતી આંખથી વઢેલી!
એ ઘટના તો ત્યાં જ હજી બર્ફ જેમ થીજીને
ઊભી છે સાંજ ને અઢેલી
આથમતા સૂરજના કેસરી એ રંગોમાં
ઓગળતાં આપણે એ યાદ છે?
પાંપણ પર ઝૂલતાતાં શમણાં એ શમણાંનો
હું પણ એક ભાગ હતો યાદ છે?
વરસોની ભીડ કોઈ ચોર જેમ આપણા એ
દિવસોને ચોરી ફરાર થઈ
એમ ઊભાતાં રસ્તાની સામસામે આપણે
ને વચ્ચેથી જિંદગી પસાર થઈ
દિવસ ઓઢ્યા ને પછી તડકામાં દોડ્યાં ને
છાંયડાઓ શોધ્યાતાં યાદ છે?
પાંપણ પર ઝૂલતાતાં શમણાં એ શમણાંનો
હું પણ એક ભાગ હતો યાદ છે?
સ્રોત
- પુસ્તક : કવિતા - સપ્ટે.-ઑક્ટો., 2017 (પૃષ્ઠ ક્રમાંક 167)
- સંપાદક : રમેશ પુરોહિત
- પ્રકાશક : જન્મભૂમિ પ્રકાશન, મુંબઈ
