અમે અસલ ગરમાળા
ame asal garmaalaa
જિગર જોષી 'પ્રેમ'
Jigar Joshi 'Prem'

અમે અસલ ગરમાળા.
સહજ વર્યા તડકાને જઈને પહેરાવી વરમાળા.
ઝીલ્યો તાપ તો ખીલ્યા આ તો નરી આંખનું સત,
જળ જેવી ટાઢક આપે છે અગન વેરતો ખત.
ડાળ ડાળ પર ઝુમ્મર લટકે, લટકે રે અજવાળાં,
રંગબેરંગી સવાર ઊતરે લઈ પીંછાંનું ગાડું,
પંખીનો ટહુકો જ અમારે વૈભવ ને રજવાડું,
આ જ અમારી પરકમ્મા શું જાવું રે! પગપાળા!



સ્રોત
- પુસ્તક : બુદ્ધિપ્રકાશ : એપ્રિલ ૨૦૨૫ (પૃષ્ઠ ક્રમાંક 29)
- સંપાદક : કુમારપાળ દેસાઈ
- પ્રકાશક : ગુજરાત વિદ્યાસભા