પંખીઓ
pankhio
મણિલાલ હ. પટેલ
Manilal H. Patel
પંખીઓ ગાય છે ને થાય છે કે
તો મારે માટે ગાય છે
બાકી તો પડછાયા આવે ને જાય છે.
પંખીઓ ગાય છે તો અજવાળું થાય છે
બાકી તો અંધારે સઘળું લીંપાય છે
કોઈ કહે છે કે
પંખી તો ઝાડ માટે ગાય છે
એટલે કો કૂંપળની કળી બની જાય છે
કોઈ કોઈ એવું પણ કહે છે કે
પંખી તો પ્હાડ માટે ગાય છે
એટલે તો કાળમીંઢ ડૂમો પણ
કલકલતું ઝરણું થૈ જાય છે.
પંખી તો માટીની મોજ સારુ ગાય છે
એટલે તો કૉળેલું તરણું પણ
ડૂંડાંથી લ્હેરાતું ખેતર થૈ જાય છે.
સાચ્ચું પૂછો તો ભૈ!
કલવરતાં પંખીઓ મર્મરતી મોસમ થૈ જાય છે
પંખો ગાય છે ને આપણા તો –
બત્રીસે કોઠામાં દીવાઓ થાય છે.
(૦૯–૦૫–૨૦૦૮, શુક્રવાર, સવાર)
સ્રોત
- પુસ્તક : સીમાડે ઊગેલું ઝાડવું (પૃષ્ઠ ક્રમાંક 61)
- સર્જક : મણિલાલ હ. પટેલ
- પ્રકાશક : લજ્જા પબ્લિકેશન
- વર્ષ : 2011