પંખીઓએ કલશોર કર્યો
pankhiioae kalshor karyo
નિનુ મઝુમદાર
Ninu Mazumdar
નિનુ મઝુમદાર
Ninu Mazumdar
પંખીઓએ કલશોર કર્યો, ભાઈ! ધરતીને સૂરજ ચૂમ્યો
કૂથલી લઈને સાંજનો સમીર આજ વનેવન ઘૂમ્યો.
વનેવન ઘૂમ્યો.
ખુલ્લી પડેલી પ્રીતનો અરથ કળી કળીએ જાણ્યો,
શરમની મારી ધરણીએ કાળી રાતનો ઘૂમટો તાણ્યો
ઘૂમટો તાણ્યો.
પ્રગટ્યા દીવા કૈંક ચપોચપ ઊઘડી ગગન બારી,
નીરખે આભની આતુર આંખો દોડી આવી દિગનારી
આવી દિગનારી.
તાળી દઈ કરે ઠેકડી તીડો, તમરાં સિસોટી મારે,
જોવા તમાશો આગિયા ચાલ્યા બત્તી લઈ દ્વારે દ્વારે
ફરી દ્વારે દ્વારે.
રાતડીના અંધકારની ઓથે નીંદરે અંતર ખોલ્યાં,
કૂંચી લઈ અભિલાષની સોનલ હૈયે શમણાં ઢોળ્યાં
શમણાં ઢાળ્યાં.
સ્રોત
- પુસ્તક : નિરમાળ (પૃષ્ઠ ક્રમાંક 28)
- સર્જક : નિનુ મઝુમદાર
- પ્રકાશક : સ્વાતિ પ્રકાશન
- વર્ષ : 1966
