kabaranun geet - Geet | RekhtaGujarati

કાબરનું ગીત

kabaranun geet

મીનપિયાસી મીનપિયાસી
કાબરનું ગીત
મીનપિયાસી

કાબરે ગાયું ગીત.

કાબરી સંગે કાબરો માંડ પીંપળડાળે પ્રીત.

કાબરે ગાયું ગીત.

કાબરને કજિયાળી કહી સૌ લોક કરે કચકચ,

પણ સૂણે જો વાણી જે વહેતી વાયરા વચોવચ્ચ,

દિલથી ડોલી, ઊઠશે બોલી: આપણે ભૂલ્યાં ભીંત!

તો કાબરે ગાયું ગીત.

મેશ જેવા એના કેશ શોભે ને સોનલ સોહે પાય,

ચંપકવર્ણી ચાંચ ઉઘાડી ‘ઘાંચી ચિંયો ચું’ ગાય,

નોખી નોખી કૈં નકલ કરે નવરી બેઠી નિત;

કેવું કાબરે ગાયું ગીત?

ડોક ફુલાવી શિર ઝુકાવે, મન મહીં મદમત્ત,

પંડિત! લેજો પારખી ગીતે ગાંધારની કોઈ ગત,

હારી જશો તમે હૈયું તમારું, ચોરાઈ જાશે ચિત્ત;

ઓહો! કાબરે ગાયું ગીત.

સ્રોત

  • પુસ્તક : ઝૂલ ઝાલાવાડ ઝૂલ (પૃષ્ઠ ક્રમાંક 59)
  • સંપાદક : ડૉ. રમણીકલાલ મારુ, રમેશ આચાર્ય
  • પ્રકાશક : ગુજરાત સાહિત્ય અકાદમી
  • વર્ષ : 2016