સુખ
sukh
દિલીપ જોશી
Dilip Joshi

સુખ તો એવું લાગતું જાણે પાંદડાં ઉપર પાણી
ઉક્કેલવી રે કેમ કરી આ પરપોટાની વાણી?
આંખ ખોલું તો મોંસૂઝણું
ને આંખ મીંચું તો રાત
ખૂલવા ’ને મીંચાવા વચ્ચે
આપણી છે ઠકરાત
પળમાં પ્રગટે ઝરણા જેવી કોઈની રામકહાણી
ટહુકો નભમાં છલકી ઊઠે
એટલો હો કલરવ
સાંજનો કૂણા ઘાસની ઉપર
પથરાયો પગરવ
લીંપણ કોઈ ગાર–માટીનું સહુને લેતું તાણી



સ્રોત
- પુસ્તક : વીથિ (પૃષ્ઠ ક્રમાંક 62)
- સર્જક : દિલીપ જોશી
- પ્રકાશક : પોતે
- વર્ષ : 1990