પાંદડાંએ, લે!
pandada ae, le!
વિનોદ જોશી
Vinod Joshi
વિનોદ જોશી
Vinod Joshi
પાંદડાંએ, લે! મને ઊભી રાખી,
પછી અમથી પછી તમથી પછી
સાચુકલી વાત કરી આખી…
વાતમાં તો ઝાકળની લૂમ
એને વેડો તો દાતરડાં બુઠ્ઠાં થઈ જાય,
સૂરજના હોંકારે જાગેલા
કાળમીંઢ પડછાયા જુઠ્ઠા થઈ જાય;
ઝાડવાંએ, લે! મને ઊભી રાખી,
પછી અરડી પછી મરડી પછી
તડકેથી છાંયડીમાં નાખી…
કોઈવાર માળામાં ઊતરતું
ચાંદરણું ડાળખીમાં ત્રાંસું થઈ જાય,
કોઈવાર આંખોમાં આથમેલ
શમણાંઓ ગળચટ્ટાં આંસુ થઈ જાય,
વાયરાએ, લે! મને ઊભી રાખી,
પછી અહીંથી પછી તહીંથી પછી
પગથી તે માથા લગી ચાખી...
સ્રોત
- પુસ્તક : રેશમી ટહુકાની રજાઈ (પૃષ્ઠ ક્રમાંક 86)
- સંપાદક : ઉત્પલ પટેલ
- પ્રકાશક : ડિવાઈન પબ્લિકેશન, અમદાવાદ
- વર્ષ : 2023
