pahaDni ek pal - Geet | RekhtaGujarati

પહાડની એક પળ

pahaDni ek pal

હર્ષદ ત્રિવેદી હર્ષદ ત્રિવેદી
પહાડની એક પળ
હર્ષદ ત્રિવેદી

છાતી ઉપર હાથ મૂકીને કોઈ પડ્યું હો આડું સામે એમ પડ્યો છે પહાડ,

હળવે રહીને શ્વાસ લિયે ત્યાં ઊગી નીકળે દેહ ઉપર કૈં નાનાં-મોટાં ઝાડ!

પર્ણે પર્ણે પથ્થરિયો મલકાટ ખરે ને ઊડે હવામાં પછી ખીણમાં જડે,

ધુમ્મસ વચ્ચે માર્ગ શોધતા હણહણતા અશ્વો ને એના દૂર ડાબલા પડે;

અંધારાને લૂંટી લેવા તેજ તણી તલવારો લઈને કોણ પાડતું ધાડ?

છાતી ઉપર હાથ મૂકીને કોઈ પડ્યું હો આડું સામે એમ પડ્યો છે પહાડ.

એમ થતું કે હમણાં લાંબા હાથ થશે ને આળસ મરડી પડખું જો ફેરવશે,

સંધ્યા થાશે, રાત થશે ને પારિજાતનાં ફૂલો જેવા તારાઓ ખેરવશે;

આંખ જરી ઘેરાતી ત્યાં તો વાદળ આવી ઓઢાડી દે મખમલિયો ઓછાડ!

છાતી ઉપર હાથ મૂકીને કોઈ પડ્યું હો આડું સામે એમ પડ્યો છે પહાડ.

સ્રોત

  • પુસ્તક : આપણી કવિતાસમૃદ્ધિ (ઉત્તરાર્ધ) (પૃષ્ઠ ક્રમાંક 434)
  • સંપાદક : ચન્દ્રકાન્ત ટોપીવાળા
  • પ્રકાશક : ગુજરાતી સાહિત્ય પરિષદ
  • વર્ષ : 2004