પગરવ
pagrav
ઉમાશંકર જોશી
Umashankar Joshi
ઉમાશંકર જોશી
Umashankar Joshi
પ્રભુ, તારો પગરવ જરી સુણાય.
વનવનવિહંગના કલનાદે,
મલયઅનિલના કોમલ સાદે.
ઊડુગણ કેરાં મૂક વિષાદે
ભણકારા વહી જાય,
પ્રભુ, તારો પગરવ અહીં સુણાય.
ગિરિનિર્ઝરના નૃત્યઉમંગે,
સરિત તણા મૃદુમત્ત તરંગે.
ઋતુનર્તકીને અંગે અંગે
મંજુ સુરાવટ વાય,
પ્રભુ, તારો પગરવ અહો સુણાય!
અહોરાત જલસિંધુ ઘૂઘવે,
ઝંઝાનિલ મઝધાર સૂસવે,
વજ્રઘોર ઘન ગગન ધૂંધવે.
ધ્વનિ ત્યાં તે અથડાય,
પ્રભુ, તારો પગરવ દૂર સુણાય.
શિશુકલબોલે, પ્રણયહિંડોળે
જગકોલાહલના કલ્લોલે,
સંત-નયનનાં મૌન અમોલે
પડઘા મૃદુ પથરાય,
પ્રભુ, તારો પગરવ ધન્ય સુણાય.
સ્રોત
- પુસ્તક : સમગ્ર કવિતા (પૃષ્ઠ ક્રમાંક 556)
- સર્જક : ઉમાશંકર જોશી
- પ્રકાશક : ગંગોત્રી ટ્રસ્ટ, અમદાવાદ
- વર્ષ : 1981
- આવૃત્તિ : બીજી આવૃત્તિ
