pranjiwan harjiwan modi - Geet | RekhtaGujarati

પ્રાણજીવન હરજીવન મોદી

pranjiwan harjiwan modi

રમેશ પારેખ રમેશ પારેખ
પ્રાણજીવન હરજીવન મોદી
રમેશ પારેખ

પ્રાણજીવન હરજીવન મોદી હાજર છે? હાજર છે, નામદાર,

સપનામાં ચોર્યું'તું તે ગાજર છે? ગાજર છે, નામદાર.

આરોપીને બાબત કૈં ક્હેવું છે? ક્હેવું છે, નામદાર,

રજા મળે તો ગાજર સુંઘી લેવું છે, લેવું છે, નામદાર.

હું તો ગાજરનો ચપટી પડછાયો છું, પડછાયો, નામદાર,

ગાજરકુંવરીએ છાંડેલો જાયો છું, જાયો છું, નામદાર.

ગાજર તો જીવતર મોદીનું કારણ છે, કારણ છે, નામદાર,

પ્રાણજીવનની સો પેઢીનું તારણ છે, તારણ છે, નામદાર,

પવિત્ર શું? કારણ છે કે કાયદો છે? કાયદો છે, નામદાર,

પણ મન-ગાજરને મળવું વાયદો છે, વાયદો છે, નામદાર.

વાયદો શું છે? તો વંઘ્યાનું સ્તન છે, હા, સ્તન છે, નામદાર,

તોય ચોરટાચટાક ઉર્ફે રાંક લોહીનું ધન છે, નામદાર.

ચોરીના સુમાર કાળી રાતના છે, રાતના છે, નામદાર,

ગુના ગાજરવટાં મળે જાતના છે, જાતના છે, નામદાર,

ગાજરકોડ પ્રમાણે ગુના સિરિયસ છે, સિરિયસ છે, નામદાર,

ગાજર મારા સાત જનમની ચીસ છે, ફાટી ચીસ છે, નામદાર,

જન્મપત્રીમાં આશયભુવન કેવું છે? કેવું છે, નામદાર?

જનમટીપની સજા(દઉં છું, તેવું...) છે, (તેવું છે?) નામદાર.

સ્રોત

  • પુસ્તક : આધુનિક ગુજરાતી કવિતા (પૃષ્ઠ ક્રમાંક 117)
  • સંપાદક : સુરેશ દલાલ, જયા મહેતા
  • પ્રકાશક : સાહિત્ય અકાદમી
  • વર્ષ : 1989