padarman - Geet | RekhtaGujarati

એક વાર નીંગળ્યું’તું ફળફળતું લોહી,

હવે નીંગળતા સિંદૂરના રેલા!

અમે પાદરમાં ઝાટકે ખરેલા!

વાયરાને રોકટોક હોય નહીં કોઈ,

હોય મોજાંને કાંઠાની ભીંત,

ઊડ્યા, ભેળું મળે આભ એક પંખીને

પથ્થરથી આઘી પ્રીત;

પથ્થરમાં કાયાનો લઈ ને ઉઘાડ

એક વડલાની ભીંતને વરેલા!

અમે પાદરમાં ઝાટકે ખરેલા!

પરબારા જાય પંચકલ્યાણી સૂરજના

ખેરવતા કિરણોની ધૂળ,

અમ-થી ઊગેય નહીં કાળમીંઢ અંધારાં

ખોડેલાં નીંભર છે મૂળ;

ભાંગેલાં કોડિયાંના ડાયરા વચાળે, હવે

ઢોળાતા ઘૂંટ-જે ભરેલા!

અમે પાદરમાં ઝાટકે ખરેલા!

સ્રોત

  • પુસ્તક : તમે (પૃષ્ઠ ક્રમાંક 30)
  • સર્જક : માધવ રામાનુજ
  • પ્રકાશક : આર. આર. શેઠની કંપની
  • વર્ષ : 1986
  • આવૃત્તિ : બીજી આવૃત્તિ