pachhi - Geet | RekhtaGujarati

દાદાના આંગણામાં કોળેલા આંબાનું કૂણેરું તોડ્યું રે પાન,

પરદેશી પંખીના ઊડ્યા મુકામ પછી માળામાં ફરક્યું વેરાન!

ખોળો વાળીને હજી રમતાં'તાં કાલ અહીં,

સૈયરના દાવ ન'તા ઊતર્યાં;

સૈયરના પકડીને હાથ ફર્યાં ફેર ફેર—

ફેર હજી એય ન'તા ઊતર્યાં.

આમ પાનેતર પહેર્યું ને ઘૂંઘટમાં ડોકાયું જોબનનું થનગનતું ગાન!

દાદાના આંગણામાં કોળેલા આંબાનું કૂણેરું તોડ્યું રે પાન.

આંગળીએ વળગેલાં સંભાર્યાં બાળપણાં,

પોઢેલાં હાલરડાં જાગ્યાં;

કુંવારા દિવસોએ ચૉરીમાં આવીને

ભૂલી જવાનાં વેણ માગ્યાં!

પછી હૈયામાં, કાજળમાં, સેંથામાં સંતાતું ચોરી ગયું રે કોક ભાન!

પરદેશી પંખીનાં ઊચાં મુકામ, પછી માળામાં ફરક્યું વેરાન!

સ્રોત

  • પુસ્તક : સિગ્નેચર પોયમ્સ (પૃષ્ઠ ક્રમાંક 80)
  • સંપાદક : મણિલાલ હ. પટેલ, ગિરિશ ચૌધરી
  • પ્રકાશક : એકત્ર ફાઉન્ડેશન (ડિજિટલ પ્રકાશન)
  • વર્ષ : 2021