પાદરમાં
paadar maa
માધવ રામાનુજ
Madhav Ramanuj
માધવ રામાનુજ
Madhav Ramanuj
એક વાર નીંગળ્યું'તું ફળફળતું લોહી,
હવે નીતરતા સિંદૂરના રેલા!
અમે પાદરમાં ઝાટકે ખરેલા!...
વાયરાને રોકટોક હોય નહીં કોઈ,
હોય મોજાંને કાંઠાની ભીંત,
ઊડ્યા ભેળું જ મળે આભ એક પંખીને
પથ્થરથી આઘી એ પ્રીત;
પથ્થરમાં કાયાનો લઈને ઉઘાડ
એક વડલાની ભીંતને વરેલા!
અમે પાદરમાં ઝાટકે ખરેલા!...
પરબારા જાય પંચકલ્યાણી સૂરજના
ખેરવતા કિરણોની ધૂળ,
અમ-થી ઊગેય નહીં કાળમીંઢ અંધારાં
ખોડેલાં નીંભર છે મૂળ;
ભાંગેલાં કોડિયાંના ડાયરા વચાળે, હવે
ઢોળાતા ઘૂંટ-જે ભરેલા!
અમે પાદરમાં ઝાટકે ખરેલા!
સ્રોત
- પુસ્તક : સમીપે : જાન્યુ.-માર્ચ એપ્રિલ-જૂન, 2024 (પૃષ્ઠ ક્રમાંક 134)
- સંપાદક : શિરીષ પંચાલ, જયદેવ શુક્લ, બકુલ ટેલર
- પ્રકાશક : સંવાદ પ્રકાશન, વડોદરા
- વર્ષ : 2025
