ora aawo to ame maliye - Geet | RekhtaGujarati

ઓરા આવો તો અમે મળીએ

ora aawo to ame maliye

મનહર તળપદા મનહર તળપદા
ઓરા આવો તો અમે મળીએ
મનહર તળપદા

ઓરા આવો તો અમે મળીએ અણવરજી

ઓરા આવો તો અમે મળીએ

કેસરિયા પાઘ ઉપર ચળીએ અણવરજી

ઓરા આવો તો અમે મળીએ.

લીલેરા વનમાં લીલેરાં ગીત મારાં

ઊડે પટોળાને કોર

આષાઢી માસના વાવડ ઝીલીને મારા

ટહુક્યા કળાયલ મોર!

શું વળી વળીને આંખ ઢળિયે અણવરજી

ઓરા આવો તો અમે મળીએ.

સાત સમંદર પારેથી આભલે

દરિયાઉં ગીતડાં વાય

લીલાં નાઘેર અમે પાળેલાં શમણાં

ઊંબરિયે ઝીલ્યાં ના જાય!

શમણાં પાળીને લાજી મરીએ અણવરજી

ઓરા આવો તો અમે મળીએ.

લીલમ જડેલી લીલેરી ચૂંદડીને

નથડી આંદલિયાની કોર,

નીલમપંખીની આંખોનાં નેહભર્યાં

અંજન લાવો જો એક ફોર!

તો ઊલટથી આજ અમે વરીએ અણવરજી

ઓરા આવો તો અમે મળીએ.

સ્રોત

  • પુસ્તક : ભીનાં અજવાળાં (પૃષ્ઠ ક્રમાંક 59)
  • સર્જક : મનહર તળપદા
  • પ્રકાશક : રૂપાલી પબ્લિકેશન
  • વર્ષ : 1980