oDhninun mahabhinishkrman - Geet | RekhtaGujarati

ઓઢણીનું મહાભિનિષ્ક્રમણ

oDhninun mahabhinishkrman

રમેશ પારેખ રમેશ પારેખ
ઓઢણીનું મહાભિનિષ્ક્રમણ
રમેશ પારેખ

ખીંટીએ ઓઢણીને પૂછ્યું કે; ક્યાં હાલ્યાં?

ઓઢણીએ કીધું કેઃ ઊડવા...

ખીંટી બોલી કે તને અધવચ્ચે ઝાલશું

તો ઓઢણી ક્યેઃ હવે ઝાલ્યો, ઝાલ્યો!

ઓરડાએ કીધું: અલી, મારી મરજાદ રાખ

હું તને કઈ પા-થી સાલ્યો?

ના, નહીં જાવા દઉં...ના, નહીં - એમ કહી હીંચકાએ માંડ્યું કિચૂડવા

ઊંબર બોલ્યો કે હું તો આડો નડીશ,

તયે ઓઢણી બોલી કેઃ તને ઠેકશું,

ફળિયું ક્યે: અરરર, તો ઓઢણી ક્યેઃ મર્ર,

તને પાંચીકા જેમ ક્યાંક ફેંકશું

વાયરાએ કીધું કેઃ હાલ્ય બાઈ, ચોંપ રાખ્ય, અમે તને નહીં દૈયેં બૂડવા

ખીંટીએ ઓઢણીને પૂછ્યું કેઃ ક્યાં હાલ્યાં?

ઓઢણીએ કીધું કેઃ ઊડવા...

(૧૯-૪-'૩પ / બુધ

૧ર-૮-'૭પ /મંગળ)

સ્રોત

  • પુસ્તક : છ અક્ષરનું નામ (પૃષ્ઠ ક્રમાંક 159)
  • સર્જક : રમેશ પારેખ
  • પ્રકાશક : પ્રવીણ પબ્લિકેશન
  • વર્ષ : 2014
  • આવૃત્તિ : 6