ઓ મારા મન ઉપવનના માળી
o maaraa man upavannaa maali
તુષાર શુક્લ
Tushar Shukla

ઓ મારા મન ઉપવનના માળી
હું તો લજામણીની ડાળી
મહિયરમાં મસ્તીમાં ઝૂમી
મન ફાવ્યું મરજીથી ઘૂમી
વગર ઓઢણે શેરી પાદર
પવન પજવતો ચૂમી ચૂમી
આજ હવે અણજાણ્યે આંગણ
પ્રીત બની ગઈ પાળી
મહિયરની માટીમાં મ્હોરી
શ્રાવણ ભીંજી, ફાગણ ફોરી
કૈંક ટહૂકતાં સ્મરણો ભીતર
ચૂનરી છો ને કોરી મોરી
સપનાં જેવી જીંદગી, જાતે
ગાળી અને ઓગાળી
એક ક્યારેથી બીજે ક્યારે
રોપાવું ને ઉગવું મારે
મહિયરની માટી સંગાથે
આવી છું હું આંગણ તારે
સ્નેહથી લે સંભાળી, સાજન
વ્હાલથી લે જે વાળી



સ્રોત
- પુસ્તક : તારી હથેલીને (પૃષ્ઠ ક્રમાંક 61)
- સર્જક : તુષાર શુક્લ
- પ્રકાશક : વિશાલ પબ્લિકેશન્સ
- વર્ષ : 2008