o ganga, wahi jao - Geet | RekhtaGujarati

ઓ ગંગા, વહી જાઓ

o ganga, wahi jao

યશવંત ત્રિવેદી યશવંત ત્રિવેદી
ઓ ગંગા, વહી જાઓ
યશવંત ત્રિવેદી

ગંગા, વહી જાઓ!

મારા હિમાલયો નીચે પીગળતા

સૂરજનાં સોનેરી ઝરણાં લઈ જાઓ!

મારા જનમજનમના હરકી પેઢીના

તરતા દીવાની તરણી વહી જાઓ!

ગંગા, લઈ જાઓ!

સાગસીસમના જંગલમાં અંધારી રાતે

સિંહવાઘની ત્રાડ થકી સરવરજલમાં

તરડાતો ભૂખર કંપ

કે મધરાતે સાત સમંદર પાર કરીને ફૂલપરીના સપનાની

ધોળી ધોળી બિછાત ઉપર લો જાય નીંદરી લીલો લીલો જંપ

ગંગા, મારા ભટૂરિયાની મુઠ્ઠીની એકાદ નદીના વેકુરિયા

આદિજળમાં લેલૂમ ઊગેલાં તરબૂચોને વહી જાઓ!

ગંગા, લઈ જાઓ!

કમખાના બબ્બે પપીહરા, બે પપીહરાના કેસરને જ્યાં...

મયૂરના ટૌકાની લીલી વાડ કૂદીને

આંગળીઓને ઊગી ગયા ગુલમો’ર.

ખોબાના કેસરજલમાં રે રોજ થીરકતી નૈનમછલીઓ

કેસરિયા કાંઠાની રે પાર હવે...

ગંગા, મારા સપ્તરંગના

રંગધનુથી કેસરીયો આ, વહી જાઓ!

ગંગા, લઈ જાઓ!

ગંગાઘાટે હું તે મારા અસ્થિનો લઈ કુંભ ઊભો છું

ગંગા, લહર લહર થઈ આવો!

મારા જન્મજન્મની રાખ તણી ભૂરાશ લઈ વહી જાઓ!

-મારા હિમાલયો નીચે પીગળતા

સૂરજનાં સોનેરી ઝરણાં વહી જાઓ!

રે ગંગા, વહી જાઓ!

સ્રોત

  • પુસ્તક : ક્ષિતિજને વાંસવન (પૃષ્ઠ ક્રમાંક 1)
  • સર્જક : યશવંત ત્રિવેદી
  • પ્રકાશક : વોરા ઍન્ડ કંપની
  • વર્ષ : 1971